Government Schemes : ભારત સરકાર દેશના તમામ લોકોને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકની ચિંતામાંથી મુક્ત કરવા માટે ઘણી પેન્શન યોજનાઓ ચલાવી રહી છે. વરિષ્ઠ નાગરિકો સુરક્ષિત ભવિષ્ય માટે આ યોજનાઓમાં રોકાણ કરી શકે છે. જો તમે નિવૃત્તિ પછી આર્થિક રીતે કોઈના પર નિર્ભર ન રહેવા માગતા હો, તો તમે પેન્શન માટેની યોજનામાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને એવી જ કેટલીક સરકારી પેન્શન યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકો છો. અહીં તમારા રૂપિયા ડૂબવાનો ભય રહેશે નહીં.
અમે જે યોજનાઓ વિશે વાત કરી રહ્યા છીએ તે છે સીનિયર સિટીજન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS), અટલ પેન્શન યોજના (APY) અને મંથલી ઈનકમ સ્કીમ (POMIS). આ સ્કીમ્સની ખાસ વાત એ છે કે, તેમાં તમારા જમા કરેલા રૂપિયા સુરક્ષિત રહેશે, જે મેચ્યોરિટી પછી પણ ઉપાડી શકાય છે. તો ચાલો જાણીએ તેમના વિશે વિગતવાર….
સીનિયર સિટીજન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS)
સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. 1 જાન્યુઆરીથી આ સ્કીમનો વ્યાજ દર પણ વધારીને વાર્ષિક 8.20 ટકા કરવામાં આવ્યો છે. 5 વર્ષની મેચ્યોરિટી પછી તમે આ એકાઉન્ટને બીજા 3 વર્ષ માટે વધારી શકો છો. કોઈપણ વ્યક્તિ આ સ્કીમ હેઠળ એકલા એટલે કે વ્યક્તિગત રીતે અથવા તેના જીવનસાથી સાથે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અથવા એક હજાર રૂપિયાના ગુણાંકમાં કોઈપણ રકમ સાથે ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષની મુદત પૂરી થયા પછી બંધ કરી શકાય છે. તે જ સમયે, તેને વધુ 3 વર્ષ માટે પણ વધારી શકાય છે.
અટલ પેન્શન યોજના (APY)
અટલ પેન્શન યોજનામાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધારિત હોય છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકાય છે. પતિ-પત્ની અલગ-અલગ એકાઉન્ટ ખોલાવીને 10 હજાર રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે છે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજના હેઠળ, વ્યક્તિએ ઓછામાં ઓછા 20 વર્ષ માટે રોકાણ કરવું પડશે. તેમને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળશે.
મંથલી ઈનકમ સ્કીમ (POMIS)
જો તમને નિયમિત આવકનો વિકલ્પ જોઈએ છે, તો પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ સ્કીમ (Post Office MIS) તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમમાં રોકાણકારોએ એકસાથે રૂપિયા જમા કરાવવાના હોય છે અને દર મહિને કમાવાની તક મળે છે. પોસ્ટ ઓફિસ સ્કીમના કારણે તમારા રૂપિયા પણ સુરક્ષિત રહે છે. આ સ્કીમ 5 વર્ષની છે, જેને વધુ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. સ્કીમ હેઠળ માત્ર 1000 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસ એમઆઈએસમાં સિંગલ અને સંયુક્ત બંને એકાઉન્ટ ખોલવાની સુવિધા છે.