સ્કૂલ લેવલ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન (Science Exhibition) માટેની માર્ગદર્શિકા /Guidelines

MIPUN

સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ગાંધીનગર

શિક્ષણનો અધિકાર

સમગ્ર શિક્ષા સૌ ભણે સૌ આગળ વર્ષ

વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન (Science Exhibition) માર્ગદર્શિકા


આધુનિક સમયમાં કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂબ જ મહત્વનો ફાળો ધરાવે છે. આથી શાળા અભ્યાસના સમયગાળા દરમ્યાન જ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અને ગાણિતિક અભિગમ કેળવાય, વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ, રૂચી વધે અને વિવિધ સમસ્યા માટે વૈજ્ઞાનિક પદ્ધત્તિએ વિચારીને નવીન ઉકેલ તરફ વિચારતા થાય તે માટે શાળાઓમાં વિજ્ઞાન-ગણિત વિષયના શિક્ષણને પ્રવૃત્તિમય અને રસપ્રદ બનાવવું જોઈએ. “મેં સાંભળ્યું તો હું ભૂલી ગયો, મેં જોયું તો મને યાદ રહ્યું અને મેં કર્યું તો મને સમજાઈ ગયું”ના સિદ્ધાંત મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રયોગ અને પ્રવૃત્તિઓ જાતે કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા અને વિધાર્થીઓ વિજ્ઞાન-ગણિત વિષયમાં રસ લઈને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં જોડાય તેવા હેતુસર શાળાઓમાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રત્યેક શાળા દીઠ રૂપિયા ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર)ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.


વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અમલઃ


• ધોરણ ૧ થી ૧૨ના તમામ વિધાર્થીઓની સામેલગીરી રહે તે મુજબ આયોજન કરવું.

• શાળા કક્ષાએ વિજ્ઞાન-ગણિત પ્રદર્શન વિવિધ વિભાગો (પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક/માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)માં યોજવાનું રહેશે. (ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન માટે પ્રત્યેક વર્ષે મોકલવામાં આવતી માર્ગદર્શિકાને અનુસરી શકાય)

• શાળાના ગણિત-વિજ્ઞાનના તમામ શિક્ષકો, આચાર્ય અને CRC Co. એ અગાઉથી લેખિતમાં આયોજન તૈયાર કરવાનું રહેશે.

• ગણિત અને વિજ્ઞાનની વિવિધ થીમ આધારિત સ્ટોલ નિર્માણ કરવાના રહેશે.

• બાળકો દ્વારા સ્ટોલમાં નિદર્શન થાય તે જરૂરી છે. ઉપરાંત સ્ટોલની જવાબદારી વિવિધ શિક્ષકશ્રીઓને સોંપવાની રહેશે.

• તમામ વિધાર્થીઓ, વાલીઓ અને SMCના સભ્યોને વિજ્ઞાન-ગણિત પ્રદર્શનના હેતુ, સ્થળ, તારીખ વગેરે વિશે અગાઉથી માહિતગાર કરવાના રહેશે.

• વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો, તમામ ગ્રામજનો આસપાસની શાળા વગેરેને વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપવાનું રહેશે.

• વૈજ્ઞાનિક કે ગણિતજ્ઞ, વિજ્ઞાન-ગણિતના નામચીન લેખક, વિજ્ઞાન-ગણિત વિષય સાથે કાર્ય કરતી સંસ્થા/ડાયટના પ્રાચાર્ય કે લેકચરર/કોલેજના ગણિત કે વિજ્ઞાનની શાખાના પ્રોફેસર/ડીન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી, નિરિક્ષકશ્રી, BRC Co. વગેરેને પણ આમંત્રિત કરવા.

• પ્રદર્શનમાં ભાગ લેનાર અને ઉપસ્થિત રહેનાર તમામની યાદી શાળા કક્ષાએ નિભાવવાની રહેશે.

• સ્ટોલની મુલાકાત સમયે મુલાકાતીઓ માટે નામ, નંબર અને અભિપ્રાય નોંધવાની વ્યવસ્થા કરવાની રહેશે.

• પ્રદર્શન માટે વિજ્ઞાન અને ગણિતના મોડલ્સ/નમૂના તૈયાર કરવા માટે આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે. શાળા કક્ષા બાદ ક્લસ્ટર, તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે મોડલને અપગ્રેડ કરવા માટે પણ આ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે.

• પ્રદર્શન દરમ્યાન વિવિધ સ્પર્ધા અને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓ માટે ઇનામ, પ્રમાણપત્ર વગેરે જેવો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે.

• કોઈ પણ સંજોગોમાં ચા-કોફી-નાસ્તો-ભોજન, પુષ્પ ગુચ્છ, મંડપ, માઈક જેવો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે નહિ. મહેમાનો કે નિર્ણાયકોના સ્વાગત કે સરભરા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ આ ગ્રાન્ટમાંથી કરી શકાશે નહિ. (નિર્ણાયકોને કોઈ પણ પ્રકારનું ભથ્થું કે ટીએ અને ડીએ મળવા પાત્ર રહેશે નહિ.)

• પ્રદર્શન બાદ લેખિત અહેવાલ(ફોટા સહિત) તૈયાર કરીને આચાર્યશ્રીએ ફાઈલ કરવાની રહેશે.

• નિયમોનુસાર વિજ્ઞાન-ગણિત પ્રદર્શન અંતર્ગત થયેલ ખર્ચનો હિસાબ અને તમામ વાઉચર આચાર્યશ્રી દ્વારા જાળવવાના રહેશે.

મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️


આ પણ જુઓ


વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં યોજવાની પ્રવૃત્તિઓ:


• મોડલ્સ/નમૂનાનું પ્રદર્શન/નિદર્શન

• પ્રયોગ નિદર્શન અને રૂબરૂ પ્રાયોગિક કાર્ય

• ગણિત-વિજ્ઞાન આધારિત રમકડાં નિર્માણ

• ગણિત-વિજ્ઞાન આધારિત ફિલ્મ કે નાટક નિદર્શન

• ગણિતજ્ઞ, વૈજ્ઞાનિકો, અવકાશયાત્રી વગેરેના પરિચય અને ચાર્ટ/પોસ્ટર નિર્માણ

• ગણિત-વિજ્ઞાન આધારિત રંગોળી નિર્માણ, વકતૃત્વ, ચિત્ર નિર્માણ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ

• વિજ્ઞાન કે ગણિત વિષય સબંધિત પુસ્તક પરિચય/પ્રદર્શન

• વૈજ્ઞાનિક-ગાણિતિક સાધનો અને શોધનો ઈતિહાસ, મહાન ગણિતજ્ઞો/વિજ્ઞાનીઓ/ અવકાશયાત્રીની જીવન યાત્રા અને શોધો અંગે ક્વિઝ

• આધુનિક સમસ્યા અને તેના સંભવિત ઉકેલ અંગેના પ્રોજેક્ટ/સંશોધન

• આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારની ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન

• અંધશ્રદ્ધા નિવારણ અને જાગૃતિ માટે જાદુના પ્રયોગોનું નિદર્શન